સ્તન પકડવા,પાયજામાનું નાડું ખેંચવું રેપ નથી તેવા ચુકાદા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે
સ્તન પકડવા,પાયજામાનું નાડું ખેંચવું રેપ નથી તેવા ચુકાદા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે
Blog Article
મહિલાના સ્તન પકડવા અને તેના પાયજામાનું નાડું ખેંચવું એ બળાત્કારનો પ્રયાસ નથી તેવા અલ્હાબાદ હાઇકોર્ટના તાજેતરના વિવાદાસ્પદ અવલોકનો પર સ્ટે મૂકીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આવી ટીપ્પણી સંપૂર્ણપણે અસંવેદનશીલ અને અમાનવીય છે. 17 માર્ચના એક ચુકાદામાં હાઈકોર્ટના જજે કરેલા આવા અવલોકનો સામે સખત વાંધો ઉઠાવી સર્વોચ્ચ અદાલતે તેને ખૂબ જ ગંભીર મામલો ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આવા અવલોકન કરનારા જજ સામે તપાસ કરી યોગ્ય પગલાં લેવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 15 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી.
જસ્ટિસ બી આર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે સામાન્ય પરિસ્થિતિઓમાં, અમે આ તબક્કે સ્ટે આપવામાં ધીમા છીએ. પરંતુ ફકરા 21, 24 અને 26માં દેખાતા અવલોકનો કાયદાના સિદ્ધાંતોથી વિરુદ્ધ છે અને તે સંપૂર્ણ અસંવેદનશીલ અને અમાનવીય અભિગમ દર્શાવે છે, તેથી અમે ઉપરોક્ત અવલોકનો પર સ્ટે આપીએ છીએ. વધુ આદેશો ન થાય સુધી 17 માર્ચ, 2025ના આદેશના ફકરા 21, 24 અને 26માં ન્યાયાધીશે કરેલા અવલોકનો પર સ્ટે રહેશે.
વી ધ વુમન ઓફ ઈન્ડિયા નામના સંગઠને ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને પત્ર લખ્યા પછી સર્વોચ્ચ અદાલતે આ મામલાની જાતે નોંધ લઈને સુનાવણી કરી હતી.
હાઈકોર્ટના અવલોકનો પર સ્ટે મૂકવાનો અર્થ એ થાય છે કે આ કેસના કે બીજા આરોપીઓ કોર્ટમાંથી રાહત મેળવવા માટે કોઈપણ ન્યાયિક કાર્યવાહીમાં તેને આધાર બનાવી શકશે નહીં.
અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદામાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે આરોપીઓ સામે બળાત્કારના પ્રયાસનો ગુનો સાબિત થયો નથી અને આરોપીઓને મહિલાના કપડાં ઉતારવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવાના ઓછા ગંભીર ગુના માટે સમન્સ પાઠવી શકાય છે. એવો કોઈ આરોપ નથી કે આરોપીએ પીડિતા પર પેનેટ્રેટિવ જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાએ વધુમાં કહ્યું હતું કે કેસના તથ્યોને આધારે આરોપી પવન અને આકાશ સામે પ્રથમ દૃષ્ટિએ બળાત્કારના પ્રયાસ કરવાનો આરોપ નથી અને તેના બદલે આરોપીઓ કલમ 354(b) IPCના ઓછા ગંભીર આરોપ માટે સમન્સ પાઠવવા પાત્ર છે, એટલે કે, મહિલાને કપડાં ઉતારવા અથવા નગ્ન થવા માટે મજબૂર કરવાના ઇરાદાથી હુમલો કરવો અથવા દુર્વ્યવહાર કરવો.
જસ્ટિસ ગવઈએ જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, જે જજની સંપૂર્ણ અસંવેદનશીલતા દર્શાવે છે. જજ સામે
આવા કઠોર શબ્દો વાપરવા બદલ અમને દુઃખ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર, ઉત્તરપ્રદેશ સરકાર અને હાઈકોર્ટ સમક્ષના પક્ષકારોને નોટિસ આપીને સુઓ મોટો કાર્યવાહીમાં તેમના જવાબો માંગ્યા હતાં.
આ સમગ્ર મામલો 14 વર્ષની કિશોરી પર થયેલા જાતિય હુમલા સંબંધિત છે. તેમાં પવન, આકાશ અને અશોક નામના આરોપીઓએ આ કિશોરીને મોટરબાઇક પર લિફ્ટ આપી હતી આ પછી ગામ તરફ જતા રસ્તામાં તેમની મોટરબાઈક ઊભી રાખી હતી અને તેના સ્તન પકડ્યા હતાં. આકાશ નામના આરોપીએ પાયજામાનું નાડુ ખેંચીને યુવતીને પુલ નીચે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.